શનિવાર, 23 એપ્રિલ, 2011

શ્રી ઉગારામબાપા ગુરૂ શ્રી હિરસાગરબાપા - બાંદરા.


સંત શિરોમણી શ્રી હિરસાગરદાદા ની સદા જય જય જય હો


પરમ પૂજય શ્રી ઉગારામબાપા ગુરૂ શ્રી હિરસાગરબાપા - બાંદરા.

હર દમ મેં હાજર રહેતા, સુરતા કરે સંધારો,
ઓહંગ સોહમ બે તાર ગાજે, વાગે છે એકતારો..... હરિજનો...  

સદગુરૂદેવ કૃપા કરી તબ, કીયો નામ ઉજીયારો,
ઉગારામ, ગુરૂદેવ હમારા હીરસાગર કિનારો ...... હરિજનો... 

ભારતીય સંસ્કૃતિ " સર્વ ધર્મ સમભાવ " અને સર્વધર્મ મમભાવ માં માનનારી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ એ વિશ્વ ફલક પર પોતાની ભવ્ય પરંપરા અને ઉજ્જવળ સાંસ્કૃતિ ગતિવિધિ ઓની ધજા ફરકતી રાખી છે. આ ધજાથી સૌરાષ્ટ્રની ધીંગી ધારા તો પવન થઇ છે પણ તેની સાથે સાથે આ જ ધજાએ, કંઈક કુળના મૂળ અને આલોકના પરલોક પણ સુધારિયા છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રના સંત શ્રી ઉગારામબાપાની. 

હજારો વર્ષ પૂર્વે દક્ષિણ ભારતીય ભક્તિ આંદોલનમાં થયેલા યમુનાચાર્ય થી માંડીને મધ્યયુગના ભારતીય દર્સન અને શબ્દ ઉપાસના, વિશ્વબંધુત્વ અને શુદ્ધ બ્રહ્મના ઉપાસક સંત શ્રી કબીરસાહેબ અને એ જ પરંપરાએ કબીરવિચાર નાપરિપાકરૂપે ગુજરાત માં ખીલી ઉઠેલો રવિ-ભાણ સંપ્રદાય,અને એજ વિચારધારાને આગળ વધારી માનવ કલ્યાણ અને તમામ જીવ સૃષ્ટિનું ભલું ઇચ્છનાર એવા સંત ઉગારામ અને તેઓ દ્વારા પ્રસ્થાપિત થયેલ "ઉગમપંથ"  ગુજરાતની ભવ્ય સાંસ્કૃતિક વિરાસતમાં મુઠી ઉચેરું સ્થાન ધરાવે છે.  
    
ભારતીય અધ્યાત્મિક દર્સનની એકધારા નિગુણ સંત પરંપરાની રહી છે,આ પરંપરામાં કોઈ સાકાર દેવ ની  ઉપાસના નથી. પરમતત્વને જ્યોત, પ્રકાશરૂપે આરાધવામાં આવે છે. આ પરંપરા મહાપંથી અને સંત કબીર પંથમાં વિશેષ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં આ પરંપરા ઉગારામ પંથ નામે ઓળખાઈ છે. પૂજય શ્રી ઉગારામબાપા પૂજય સંત શ્રી હીરસાગર બાપા ના શિષ્ય હતા. પૂજય શ્રી હીરસાગરબાપા રાજકોટ
મુકામે ની જગ્યા સ્થાપી આ વિચાર પરંપરા સ્થાપી હતી. તેમની વાણી જોતા એ જાણે  કે  સંત સાધના ની નિગુણ પરંપરા વિસ્તારી છે. પરંતુ ઉગારામબાપા એ માત્ર નામશરણ, ગુરૂશરણ માં શ્વાસ  ને ભજનનો  ધાર લઇ ને સમાજ ચેતના જગાડવાનું પરમ શ્રયેય કાર્ય કર્યું છે.     
ઉગારામબાપા આત્મદર્શન અને ઈશ્વરપ્રાપ્તિ ના રસ્તે ચાલનારા મહાનમાનવ હતા . તેઓનો જન્મ  ઈ. સ. ૧૮૭૬ ના પવિત્ર અષાઢ માસમાં મકવાણા પરિવાર માં બાંદરા મુકામે થયો. બાળપણથી જ સાધુતા ના લક્ષણ ધરાવતા યુવા ઉગારામ નાની વયે સંન્યાસગ્રહણ કરવાના હેતુથી બે થી ત્રણ વખત ગૃહત્યાગ કરે છે. એમ  જ લગભગ અઢાર વીસ વર્ષ ની વય સુધી ઉગારામજી નું ધર્મચિંતન અને ઈશ્વરચિંતન ચાલુ  રહે છે. ઉગારામજી એં ઈશ્વર પ્રાપ્તિ માટે પોતાના જીવન માં કઠોર તપ કરેલ બાંદરા છોડીને જલારામબાપા ના વીરપુર તરફ લગભગ છએક  માસ સુધી નિજન જંગલમાં ધ્યાન ધરીને તપ કરનાર ઉગારામજી એક હઠયોગી ની જેમ ઈશ્વર પ્રાપ્તિ માટે મંડાયા રહે છે. માથા પર પથ્થરની ધંટીનું પડ રાખી ને, એક પગે ઉભા રહીને ઈશ્વર પ્રાપ્તિ ની હઠ પકડીને તેઓ તપ આદરે છે. અને તે તપ માં તેમને ઈશ્વરના આત્મદર્શન થાય છે, પોતાના કુટુંબીજનો ની વિનતી થી સાચા રસ્તે ચાલીને ઈશ્વર અને માનવ સેવાનું બીડું ઝડપનાર સંત ઉગારામબાપા ને બાંદરાથી ઉગમણી દિશામાં આવેલા વોરા કોટડા ગામમાં સંત શિરોમણી શ્રી હીરસાગરબાપા નો મેળાપ થાય છે.

સૌરાષ્ટ્ર ધરામાં સદગુરુ અને  સંતની સેવાના  અમર ગુરુ શિષ્ય ના પાત્રો જેવા કે ગંગાસતી અને પાનબાઈ, સંતદેવીદાસ અને અમરમાં જે રીતે ગુરૂ-શિષ્યના સબંધથી ઉતમ ગણાય છે. એ રીતે હીરસાગરબાપા અને ઉગારામબાપા ગુજરાતની કબીરબીજ પરંપરાના ઉતમ વાહક ગણાય છે. હીરસાગરબાપા સાચા મોટીને  જાણનાર સંત હતા. તેઓ એ ઉગારામબાપા માં  પ્રથમથી  જ દિવ્યતા  અને  સેવાના  સદગુણો  જોયેલા.  સ્વભાવે  કડક  અને  ટકોરા મારી ને  કંઠી  બાંધનાર  હીરસાગરબાપા યુવાન ઉગારામબાપા ને નાદ  શિષ્ય  તરીકે  સ્વીકારી ધર્મધુરાની કંઠી બાંધી અને આ રીતે ગૃહસ્થાશ્રમ માં  રહીને  માનવ  અને  જીવમાત્રના  કલ્યાણ  કરવાનો  આદેશ  અને  પ્રકૃતિના  પાંચેય  તત્વને અને  ત્રણેય ગુણોને સ્વીકારી સૃષ્ટિનું કલ્યાણ  કરવાનો આદેશ ગુરૂ શ્રી હીરસાગરબાપા એ ઉગારામબાપા ને મંત્ર દીક્ષા દ્વારા આપ્યો અને આ રીતે શરૂ થાય સૌરાષ્ટ્ર ની " ઉગમ ફોજ " પરંપરા નો ભવ્ય ઉદય થયો.

સંત  ઉગારામના ગૃહસ્થધર્મનો પ્રવેશ એમના જીવન નો ખૂબ મોટો વણાંક ગણાય છે. જો સંત શ્રી હીરસાગર બાપા જેવા ગુરૂ ન મળ્યા હોત, તો ગૃહસ્થ ધર્મ માં સોનલમાં જેવા આદર્શ ધર્મપરાયણ અને પતિપરાયણ ધર્મ પત્ની ન 
મળ્યા હોત, તો  ગૃહસ્થધર્મ  પાળીને  પણ  માનવ  કલ્યાણના  કાર્ય  થઇ  શકે  છે.  એવો  એક  મોટો  વિચાર કદાચ એ સમયથી જ કાપી જાત. સાચા સંતો સન્યાસ ગ્રહણ કરે કે અઘોરી પદ પામે, જીવનનો ત્યાગ કરે કે વિશ્વ પ્રદીક્ષાના કરવા નીકળી પડે તે કરતા ગૃહસ્થધર્મ પાળીને પણ આત્મકલ્યાણ ના માર્ગ આગળ વધી શકે છે તેનું સમર્થ ઉદાહરણ સંત ઉગારામબાપા છે.
સોનલમાં આદર્શ ભારતીય નારીનું બીજું રૂપ હતા પોતે સૌદર્યવાન,પ્રકૃતિપરાયણ અને પતિ એ જ પરમેશ્વર આવી ભાવના થી પોતાના પતિને રસ્તે ચાલનારા અને પતિની આધીયાત્મ યાત્રા ના સહપ્રવાસી હતા. એક હકીકત મુજબ ઉગારામસાહેબ ને પગની મોટી  ખોટ હતી અને દેખાવે પણ શ્યામરૂપી હતા અને એ મુજબ પેટનો ખાડો પુરવા બાંદરા અને  તેની  આશપાસ ના ગામમાં મજુરી કરીને તેઓ ગુજરાન ચલાવતા.

સોનલમાં ને સંત ઉગારામની સામાજિક દારૂણતનો ખ્યાલ હોવા છતાં તેઓએ તેમના સંતપણા  સાથે  અને  સત્ય આત્મ સાથે ભાવના બંધન બાંધ્યાં હતા. સોનલમાં ના સગા-વહાલાઓએ જયારે સંત ઉગારામ  વિશે  ટકોર કરી ત્યારે સોનલમાં એ જે જવાબ આપ્યો તે ભારતીય નારીની સાચી ઓળખ અને આદર્શ નારીના ગુણો ને પ્રગટાવે છે. તેમને કહેલું કે, હું જેમને વારી છું, એ જ મારું સર્વસ્વા છે. તેમના તમામ  દુખો  એ  મારા દુઃખોમાં ભાગ લઈને જીવનપંથ કાપવો અને આદર્શ કુટુંબનું નિર્માણ કરવું એ જ મારી પ્રતિજ્ઞા છે. પણ હું તો મારા પતિને પગલે જ ચાલીશ અને તેમના આત્મકલ્યાણ માં જ મારું કલ્યાણ રહયું છે. સોનલમાનો આ જવાબ    
જ વર્તમાન ઉગમફોજ ના પાયા ના પથ્થર બનીને પડેલો છે.

ઉગારામબાપા સૌરાષ્ટ્રમાં ધર્મધુરાની જ્યોત સાંભળી સમાજમાં ઈશ્વરશ્રદ્ધા ને મજબુત કરે છે. એક તરફ જુદા જુદા સંપ્રદાયઓ નો  વધતો  જતો પ્રભાવ, મુસ્લિમસતા નું આક્રમણ, લોકોની ઈશ્વર પ્રત્યની તૂટતી શ્રદ્ધા, અન્ય સંપ્રદાયોમાં વધતા જતા વહેમ, અંધશ્રદ્ધા  અને  વ્યભિચાર  આ  બધી  જ  ધટનાઓ  દ્વારા  ગુજરાતની  સામાજિક  સ્થિતિના પરિવર્તન અને લોકો ની  બદલાતી જતી માનશિકતામાં ઉગારામબાપા નું સૌરાષ્ટ્ર માં અવતરવું અને સમગ્ર સૌરાષ્ટમાં પોતાના વિચારો દ્વારા ઉગમફોજ કે ઉગમપંથની સ્થાપના  કરી  સો  કોઈ  માનવ સમૂહને જ્ઞાતિજાતિના બંધન વિના, ઉચ-નીચના  ભેદભાવ  વિના  આત્મદર્શન  માટે  પ્રવુત  કરવા  અને  લોકોને સાચા ઈશ્વરની શોધ માટે નિજ મંદિર તરફ વાળવા એટલે કે દેહમાં જ દેવની શોધી આત્મકલ્યાણ કરી જ્ઞાન માર્ગી બની ઈશ્વર પ્રાપ્તિ કરવા એવી ભાવના થી ઉગારામ અને   સોનલમાં  પોતાની  નાનકડી  ઝુપડીમાં વિચારબીજ ને સ્થાપી ને ઉગમફોજ ના મંડાણ આદરે છે. અને જેમાંથી આપની સામે  આવે  છે.  આજની વટવૃક્ષ સમી ઉગમફોજ ની વિચારધારા છે.

સંત ઉગારામબાપા ઈશ્વર પ્રાપ્તિ માટે સદગુરૂ મહિમા અને ગુરુમુખી વાણી ને ઉતમ ગણે છે. તેઓ પોતાના ભજનો માં લાકેય છે કે.

અખંડ ઝાલર વાગે ધટમાં, અખંડ ઝાલર વાગે., 
ગુરુગમ જ્ઞાની જાગે ધટમાં, અખંડ ઝાલર વાગે....  ધટમાં

ત્રણ ગુણ પર ત્રિવેણી તીરે, તારમાં તાર મિલાવે,
ગગન મંડળને ગેબી ગાજે, સુરતા ધ્યાન લગાવે... ધટમાં.


આ ભજનો દ્વારા જ સંત શ્રી ઉગારામબાપા ની ગુરૂ ભક્તિ, ગુરૂ નીષ્ટા આપણે જાની શકીએ છીએ. આ જગત માં ગુરૂ જ્ઞાન એકમાત્ર માનવાના સત્વ, રજસ અને તમસ ને પાર પમાડી આત્મા નું પરમાત્મા સાથે મિલન કરાવી સમગ્ર બ્રહ્માંડમાં વસી રહેલા પરમાત્મા સાથે એકરૂપ કરી બતાવે છે. ગુરૂ  પોતે જ સોહમ મંત્ર છે. ગુરુ સ્વય ઓમકાર છે. ગુરૂ  સ્વય દેવ કે દેવી છે. ગુરૂ એ જ આપણા  પુરાણ છે અને આપના કુરાન છે આવા ગુર ને ભજવા દરેક જીવન નું કર્તવ્ય છે. આ જગત નું નામ, રૂપ, ગુણ એ બધું જ નાશવંત છે પણ ગુરુ નો મંત્ર એ નાશવંત નથી. માટે સદગુરુ નું શરણ લઇને શ્વાસ અને ઉચ્સવાસે આપને અખંડ અવિચળ આત્મા ને વિચારી અને ગુરૂ વચન ને ધારવા જોઈએ. સંત ઉગારામ ગુરૂમુખી વાણી ના ઉપાસક હોવાથી તેમના ભજનો માં સ્વરમાત્ર માં ગુરૂ મહિમા રહેલો જોઈ શકાય છે.

સંત શ્રી ઉગારામ બાપા નું અધ્યામિક જ્ઞાન અને યૌગિક ક્રિયાઓની સમજણ ખુબજ અદભૂત હતી. ગુરૂ મંત્ર વાણી, ચુસ્ત સંયમી જીવન અને ભજન પ્રીતિ ને કારણે તેઓને ગોંડલ, અમરનગર અને વડીયા રાજ દરબાર તરફ થી પણ સન્માન મળેલા હતા. સદગુરૂ નું વચન અને ગુરૂ ની આજ્ઞા પ્રમાણે પ્રથમ શિષ્ય તરીકે મુસલમાન યુવાન ને પસંદ કરીને તેને આ સતનામ ની દીક્ષા આપી હતી. આ ઉગમપંથ ના અનુયાઓ કે ઉપાસકો આજ સમગ્ર ગુજરાત માં અને  ભારતભર માં ફેલાયેલા છે. તેમના વિચારોનો ફેલાવો એ જ શ્રી ઉગારામબાપા ની ભક્તિ નું પ્રમાણ ને પરિણામ છે.

સૌરાષ્ટ્ર ના સંત શ્રી ઉગારામ ની નિર્વાણ તિથી શ્રાવણ વદ દસમ તા.18-08-1968 દર વર્ષ ખુબ ભાવ અને શ્રધ્ધા પૂર્વક ધામધૂમ થી સંતો ભક્તો ની હાજરી માં બાંદરા મુકામે ઉજવાય છે.

શ્રી ઉગારામબાપા ના પુત્ર શ્રી ભલારામબાપા તેના શિષ્ય પણ હતા. બાંદરાના પવિત્ર અને રમણીય યાત્રાધામ ઉગમ આશ્રમની વર્તમાન ધુરા તેમના ત્રીજી પેઢીના વારસદાર એટલે કે પુ. શ્રી ભલારામબાપા ના પુત્ર વંદનીય શ્રી ગોરધનબાપા હાલમાં સંભાળે છે. પુ. શ્રી ભલારામબાપા નો જન્મ ઈ. સ. 1925 માં થયો હતો અને બ્રહ્મલીન વૈશાખ વદ આઠમ ને શુક્રવાર તા.26-05-2000 ના રોજ સદગુરુ ચરણ પામેલા. શ્રી ગોરધનબાપા નો જન્મ તા.10-05-1961 ના રોજ થઈઓ હતો. સંત ઉગારામ ના ધર્મ અને અધ્યાત્મના આ વિચારો ને સંત શ્રી ગોરધનબાપા સમગ્ર ભારત માં ફેલાવી ને ઉગમ ફોજના આ વડલા ને ધેધુર બનવેલ છે. શ્રી ગોરધનબાપા શિક્ષિત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા હોવાથી ગુરૂ સમરણ ની સાથે સાથે માનવ સેવા ના ઉતમ કાર્યો પણ તેમના દ્વારા થતાં રહે છે.

બાંદરા મુકામે શ્રી સોનલ માં આશ્રમ માં ગુરૂ પૂર્ણિમા, ઉગારામબાપા ની નિર્વાણ તિથી જેવા ધાર્મિક ઉત્સવો ની ભવ્ય ઉજવણી કરવા માં આવે છે અને તે ઉપરાંત દર મહિના ની પૂનમ ના દિવસે ભજન સત્સંગ નું સુંદર આયોજન કરવામાં આવે છે,  ધણા શ્રદ્ધાળુઓ પૂનમ ભરવા આવે છે અને ધન્યતા પ્રાપ્ત કરે છે. જન્માષ્ટમી, દીપાવલી જેવા ઉત્સવો ઉજવી સામાજિક સમરસતા ના કાર્યો કરે છે. પૂજ્ય ગોરધનબાપા શિક્ષણ પ્રેમી હોવા થી કન્યા કેળવણી અને શિક્ષણ ના ફેલાવામાં પોતે અંગત રસ લઇ તમામ ધર્મ અને કોમના જરૂરિયાતમંદ બાળકો ને આર્થિક મદદ કરી શિક્ષણ નો ફેલાવો પણ તેઓ કરે છે. બ્લડ ડોનેસન, માનવ રોગ નિદાન કેમ્પ, ચક્ષુ નિદાન કેમ્પ, સમૂહ લગ્ન જેવી સામાજિક ક્રાંતિની પ્રવૃત્તિઓ પણ શ્રી ગોરધનબાપા લોકસેવા ના કર્યો કરે છે.

તેઓ ઉગમપંથ, ઉગમ ફોજ ના વિચારો ને સમાજ ના છેલ્લા સ્તર સુધી લઇ જવા "ઉગમ યોગ પ્રકાશ" અને અન્ય સાહિત્ય ના પ્રકાશક દ્વાર પણ પોતાન વિચારો ને ફેલાવી લોકસેવા ના કાર્યો  કરે છે. શ્રી ગોરધનબાપા નાની વયે ઉગારામબાપા ની ભવ્ય પરંપરા ને લોકો સુધી પહોંચાડી વહેમ, અંધશ્રધ્ધા, વ્યાસન અને વ્યભિચાર મુક્ત સમાજ ની રચના કરી તંદુરસ્ત સમાન સમાજ નું નિમણ કરવું એવી નેમ રાખી નિયમિત હરીનામ સમરણ અને ભજનભાવ પ્રત્યે પ્રેમ રાખી લોકસેવા ની આ જ્યોત જલતી રકે છે. શ્રી ગોરધનબાપા નું માનવું છે. કે "પર" એટલે બીજા માટે પોતાના "સ્વ" નો ત્યાગ કરે તે સાચા સદગુરૂ ના બાળક.

ઉગમ ફોજ ની આ અમર યાત્રા હંમેશા  વિકસતી રહે એવી હરીગુરુ સંત ને પ્રાર્થના.

।। શ્રી સદગુરૂદેવ ની જય ।।
।। શ્રી હીરસાગરબાપા ની જુગો જુગ જય જય હો....।।

।। શ્રી ઉગારામ  દાદા  ની  જય જય હો....।।